સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી
૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ | માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન ખાતે તારીખ ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કમલ ડોડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભવનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકગણની સાથે હરિવંદના લો કોલેજના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે ભવનના વિદ્યાર્થીઓ દ્વારા માનવ અધિકારોના સાર્વત્રિક ઘોષણાપત્ર (Universal Declaration of Human Rights – UDHR)ની ફોટોફ્રેમ ભવનને ભેટ આપવામાં આવી હતી. કુલપતિ ડૉ. કમલ ડોડિયાએ આ ફોટોફ્રેમનું નિરીક્ષણ કરી તેના વિશે માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓની આ પહેલ માનવ અધિકારો પ્રત્યેની તેમની જાગૃતિ અને પ્રતિબદ્ધતાનું પ્રતીક બની રહી હતી.
કાર્યક્રમ દરમિયાન ભવનના અધ્યક્ષ ડૉ. ભાગીરથસિંહ માંજરિયા દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને ૧૦ ડિસેમ્બરનું ઐતિહાસિક મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમણે વર્ષ ૧૯૪૮માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા માનવ અધિકારોના સાર્વત્રિક ઘોષણાપત્રને સ્વીકારવામાં આવ્યું તે ઘટનાના મહત્ત્વ અને માનવ અધિકાર દિવસની ઉજવણીના ઉદ્દેશ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કુલપતિ ડૉ. કમલ ડોડિયાએ પોતાના ઉદ્બોધનમાં માનવ અધિકારોનું મહત્ત્વ સમજાવી વિદ્યાર્થીઓને માનવ અધિકારો પ્રત્યે જાગૃત બનવા અને સમાજમાં માનવ અધિકારોના મૂલ્યોનો પ્રસાર કરવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તરફથી એડવોકેટ કમલેશ તોલાણી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ન્યાય અને માનવ અધિકારો વિષય પર વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાન દ્વારા વિદ્યાર્થીઓને ન્યાય અને માનવ અધિકારો વચ્ચેના સંબંધ અંગે માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
કાર્યક્રમમાં ભવનના અન્ય અધ્યાપકગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માનવ અધિકારોના અભ્યાસ તથા તેના વ્યવહારિક મહત્ત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
માનવ અધિકારો પ્રત્યે જાગૃતિ, માનવીય ગૌરવ, સમાનતા અને ન્યાયના મૂલ્યોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બની રહ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા આયોજિત આ ઉજવણી માનવ અધિકારોના શિક્ષણની સાથે સામાજિક જાગૃતિ પ્રત્યેની ભવનની પ્રતિબદ્ધતાને ઉજાગર કરતી મહત્વપૂર્ણ શૈક્ષણિક પ્રવૃત્તિ બની રહી હતી.